
પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલી હિંસા, ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈ હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો માંહોલ સર્જાઈ રહ્યો છે. સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ને વિરોધ નોંધાવાયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઇ રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે.
હિન્દુઓના ઘર પર હુમલો
હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે. અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે. ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો પર હુમલાઓ, ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે.
હિંસક પ્રવૃતિઓ સામે મૌન રહેવું શક્ય નથી
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે"આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે એક ચેતવણી છે. સરકારની નીતિઓ અને વિધર્મીઓની ચઢતી હિંસક પ્રવૃત્તિઓ સામે મૌન રહેવું શક્ય નથી. અમે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર તાત્કાલિક દખલ આપે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે."