વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્રાણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ બાઈક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો. આ બાબતે સોસાયટીના લોકો ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતાં. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસે ફરિયાદ નહોતી લીધી, ભોગ બનનાર અથવા તો સિક્યોરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો. શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે? શા માટે ઉત્રાણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? તેવા સવાલો ઉભા થયા છે. સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી? આ બિલ્ડીંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલાવવાની પોલીસ રાહ જોઈ રહી છે?