
ગુજરાતના સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અશ્વદળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના દીકરાએ રવિવારે સાંજે આપઘાત કરી લીધો છે. પોલીસ કર્મચારીના દીકરાએ સ્યુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
શું હતી ઘટના ?
મળતી માહિતી મુજબ, સુરતમાં પોલીસ કર્મચારીના 23 વર્ષના દીકરા ચિંતવકુમારે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું છે. પોલીસ તપાસ દરમિયાન આપઘાત પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, 'ઘરના લોકોને મારા પર ખૂબ આશા છે. પણ હું તેમના સપનાં પૂરાં કરી શકું તેમ નથી. મને ગાડી પણ નથી આવડતી, લગ્ન થશે તો પત્નીને કેવી રીતે ફરવા લઈ જઈશ? હવે મારા લગ્નના પૈસા બચે તેનાથી બેનના લગ્ન ધામધૂમથી કરજો.'
પોલીસે હાથ ધરી તપાસ
ચિંતવકુમાર એમટીબી આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સ્યુસાઇડ નોટ પરથી હાલ પોલીસે એવું તારણ કાઢ્યું છે કે, બાઇક ન આવડતી હોવાના કારણે તેણે આપઘાત કર્યો હોય શકે. જોકે, પોલીસે આ મામલે આપઘાતનું કોઈ અન્ય કારણ છે કે, કેમ તે વિશે તપાસ હાથ ધરી છે. હાલ, પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી તેને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલી છે અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલે કોઈ નવી જાણકારી સામે આવી શકે છે.