
સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધો. 5 માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા દોડતા થયેલા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની 23 વર્ષીય ટયુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આજે પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ બંનેને શામળાજી નજીકથી સુરત લાવી રહી છે.
પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ
પોલીસના જણાવ્યા અનુસાર શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગયા બાદ તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. પરંતુ આ દરમિયાન જાણવા મળ્યું હતું કે શિક્ષિકા પાસે અન્ય એક નંબર છે, જે ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પહેલા સુરતથી અમદાવાદમાં ખાનગી બસમાં પહોંચ્યા હતા ત્યાંથી દિલ્હી ગયા, અને બાદમાં જયપુર ગયા હતા, ત્યાં રોકાવાની ખાસ વ્યવસ્થા ન થતા તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ ગયા હતા.
એકબીજાને પસંદ કરતા હોવાનો શિક્ષિકાનો દાવો
પોલીસે વિદ્યાર્થી અને શિક્ષિકાને પકડી પાડી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. શિક્ષિકા અને વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેમની વચ્ચે પ્રેમ સબંધ હતો કે લાગણીનો સબંધ હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.