સુરતની જીવદોરી ગણાતી તાપી નદીમાં હાલ ચોમાસાની ઋતુએ નવજીવન ફૂંક્યું છે. છેલ્લા 15 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ચાલુ વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરની ધોધમાર આવક જોવા મળી રહી છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં તાપી નદી બંને કાંઠે પ્રસરી રહી છે, ક્યાંક શાંતિભર્યું સૌમ્ય રૂપ છે તો ક્યાંક રૌદ્ર પ્રવાહે ચેતવણી આપી રહી છે.
કોઝ વેની સપાટી વધી
હાલ નદીની સપાટી સુરતના કોઝવે ખાતે 6.57 મીટર સુધી પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 6 મીટર ગણવામાં આવે છે. પરિણામે, કોઝવે પરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને વાહનવ્યવહાર માટે તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. હાલ પાણીની સપાટીમાં થોડીઘણી ચડઉતાર જોવા મળે છે, પરંતુ ધોધમાર પ્રવાહ યથાવત છે.
સૌંદર્ય ખીલી ઉઠ્યું
ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ તે 320.47 ફૂટે પહોંચી છે, જે આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા છે. સુરતના લોકોને તાપી નદીની સ્થિતિ અંગે સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય આભાસની સાથે ખીલી ઉઠ્યું છે. તાપીના કલકલ વહેણમાં હવે શહેરી ઝંઝટથી દૂર એક શાંતિભર્યો સંગીત પણ સંભળાય છે.