સુરત શહેરમાં જ્યાં એક તરફ ભારે વરસાદથી હાલાકી વધી રહી છે, ત્યાં બીજી તરફ તસ્કરો પણ સક્રિય બની ગયા છે. કતારગામ વિસ્તારમાં આવેલ હાથી મંદિર નજીક ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઊભા કર્યા છે.તસ્કરો રાત્રે 3:35 વાગ્યે ઘટના અંજામ આપી ગયા હતા. તસ્કરો દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા અને અંદર રહેલી રોકડ રકમ ચોરી ગયા. આશરે 1.5 લાખની રોકડ ચોરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરોની હરકત સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સતત વરસાદ છતાં પણ તસ્કરો બિન્દાસ રીતે ચોરી કરીને ફરાર થઈ ગયા, જેના કારણે પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં કેટલી ગંભીરતા દાખવી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું રહ્યું કે પોલીસ સીસીટીવીના આધારે તસ્કરો સુધી પહોંચવામાં કેટલો સમય લે છે.