
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે તાજેતરમાં શરૂ થયેલી નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ, જે હાલમાં પીડિયાટ્રિક (બાળ રોગ વિભાગ) અને ગાયનેક (સ્ત્રીરોગ વિભાગ) માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, ત્યાં તંત્રની નીતિ ખુલ્લી પડી છે. અઠવાડિયા પહેલા જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી, અને કેટલીક જગ્યાએ ટોયલેટના માળખાં પણ જર્જરિત થઇ ગયા છે.
ટોયલેટની સમસ્યા
નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને પીડિયાટ્રિક તેમજ ગાયનેક સહિતના અનેક વિભાગને હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાઈ છે. તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે. હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસ જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઇ રહ્યા છે. અઠવાડિયા પહેલા જ શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બિલ્ડીંગમાં ટોયલેટની સમસ્યાએ લોકોને હેરાન કરી દીધા છે. નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા હેરાન થયા છે. બીમાર નાના બાળકો થોડી થોડી વારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું.
દર્દીઓ અને સગાઓ માટે મોટી મુશ્કેલી
ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે શુદ્ધ પાણી અને હાઈજિનિક પરિસ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ નવી બિલ્ડિંગમાં આ તાતી જરૂરિયાત પણ પૂરી થતી નથી. હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં દર્દીઓ અને તેમના સગાઓને અંતિમ વિકલ્પ તરીકે બહારના ટોયલેટો અથવા અવ્યવસ્થિત ટોયલેટો પર આધાર રાખવો પડે છે.
નવી બિલ્ડિંગના ટોયલેટમાં પાણી નથી પણ ખાલી દારૂની થેલીઓ મળી
અઠવાડિયા પહેલા શરૂ થયેલી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં ટોયલેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તેમજ પાણી વિહોણા જોવા મળ્યા હતા અને દારૂની ખાલી થેલીઓ મળી આવી હતી.
બાયો મેડિકલ વેસ્ટને જાહેરમાં મૂકી રાખ્યા હતા
નાના બાળકોના તેમજ ગર્ભવતી મહિલાઓના વિભાગ હોવા છતાં બાયો મેડિકલના વેસ્ટને જાહેરમાં મૂકી રાખ્યા હતા. જેથી ઇન્ફેક્શન લાવવાની સંભાવના વધતી જોવા મળી હતી. જેથી નવી સિવિલ હોસ્પિટલના SI શોભાના ગઢીયા જેવા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર વિવાદમાં રહેતા SI સામે કાર્યવાહી પણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે.