ગતરોજથી સુરતમાં અવિરત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 14 ઈંચ કરતાં વધુ વરસાદ 24 કલાકમાં પડતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ઠેર ઠેર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. 24 જૂનની સવારે 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ ચાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. શહેરના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.