
સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. જેની પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હાલ આરોપી અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી.
જર્મની જવાની તૈયારી કરતો
લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશિપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી 22 વર્ષનો ચિત જર્મની જવા પ્રયાસો કરતો હતો. જર્મની ગવર્નમેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10.80 લાખ બતાવવા પડતા હોય તે રકમ તેને બેંકમાં જમા કરાવી હતી. દરમિયાન ચિતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચિતના રૂમમાં બેડની નીચેથી સુસાઈડ નોટ મળી આવી હતી.
અજય સામે ગુનો નોંધી કાર્યવાહી
લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ તેણે સરથાણાના વીટી સર્કલ પાસે ગેરકાયદે દબાણ પણ ઊભું કરેલું હતું. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. ચાવડાએ જણાવ્યું હતું કે, આજ રોજ લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા વીટી સર્કલ પાસે અજય શિરોયા દ્વારા ઊભું કરવામાં આવેલા પતરાના સેડનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં બનાવ્યો હતો. જે ગેરકાયદે હોવાથી પાલિકા સાથે સંકલન કરીને તોડી પાડવામાં આવ્યું છે.