
સુરતમાં એક યુવક કોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટ બહારથી જ યુવકનું અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો. રૂપિયાની માગ કરીને તેને પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી યુવકે અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં અપશબ્દો કહ્યા
ફરિયાદી રોહિત ભીખુભાઈ રાઠોડએ કહ્યું કે, કોર્ટમાં તારીખ પર આવ્યા હતાં. કોર્ટમાંથી નીચે ઉતરતાં હતાં. તે દરમિયાન ત્રણ ચાર લોકો આવ્યા હતાં. જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલો, બીજો પંકજભાઈ પંગ્યો અને દીપક બોક્સ અને ચોથાની મને ખબર નથી. તે મારા મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતાં. ધક્કામૂકી કરીને ગાળો આપતા હતાં. પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો એટલે અમે બહાર આવ્યા હતાં. બહાર આવીને ચાની ટપરી પર ઉભા હતાં. ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા હતાં. જેથી મેં છોડાવ્યા હતાં. મેં પછી કહ્યું કે શું મગજ મારી છે તો મને પણ અપશબ્દો કહેવા લાગ્યા હતાં. પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયાં હતાં.
ન્યાયની માગ
કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રાખી હતી. ત્યાં બે વ્યક્તિ બાઈક પર આવ્યા હતાં. જેમાંથી એકને હું ઓળખું છું તેનું નામ છે મુબારક પટેલ જે મારી ગાડીમાં બેસી ગયો. અને મને અપશબ્દો કહેવા લાગ્યો હતો. અને રૂપિયાનું કંઈ કહેતો કે રૂપિયા નથી મોકલતો. ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી.પૈસા મોકલીશ તો જ છોડીશું. માનદરવાજા બ્રિજ નીચેથી ગાડી વાળીને કોર્ટ પર છોડી દઈશું. મારો ભાઈ પોલીસ સ્ટેશન હોવાનો કોલ આવ્યો તેથી મને કોર્ટ નજીક છોડી દીધો હતો. રસ્તામાં મને કહેતા કે પોલીસ કેસ કર્યો તો તને અને તારા ભાઈને છોડીશું નહી. પછી મેં ગુર્જર સાહેબને વાત કરી હતી. પોલીસે મારી ફરિયાદ નોંધી છે. મારી એક જ માગ છે કે, મને ન્યાય મળવો જોઈએ. પૈસા હું આપતો નથી તેથી મારી પાછળ પડ્યા છે.