
સુરેન્દ્રનગરમાં આવારા તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી છે. સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં એક હોટલનું પાકું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર શહેરમાં આવારા તત્વો દ્વારા બનાવવામાં આવેલા 10થી વધુ મકાનો, દુકાનો અને હોટલોને બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર દુધરેજ નજીક નર્મદાની કેનાલ પર બનાવેલી પાકી હોટલ તોડી પાડવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર જગ્યા ઉપર હોટલ બનાવેલી હતી. પોલીસ પ્રશાસન અને મહાનગરપાલિકાની ટીમોની હાજરીમાં હોટલનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને તોડી પાડવા માટે એક વ્યાપક યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 21 અસામાજિક તત્વોના મકાનો, દુકાનો અને આલીશાન મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે પોલીસ અને પ્રશાસનની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે