સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા લાયક સ્થળો ખુબ જ ઓછા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમજ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા આ બગીચાને લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળતા બગીચાના રિનોવેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ આમ તો એક સમયે સુરેન્દ્રનગરની શાન માનવામાં આવતો હતો અને અહી બાળકો અને યુવાનોથી લોકો હરવા ફરવા માટે આવતા હતા. પરંતુ પાલિકા તંત્ર અને સતાધીશોની અણઆવડત તેમજ બેદરકારીને કારણે હાલ આ બગીચો સુવિધા ઝંખી રહ્યો છે. આ બગીચામાં બાળકો માટે નાખવામાં આવેલ હીંચકા, લપસીયા સહિતની રાઈડ્સ તૂટેલી હાલતમાં શોભાના ગાંઠીયા સમાન બની છે. તેમાં આવેલ ક્રિયાગણના સાધનો ચોરાઈ ગયા અને બચ્યા હતા એટલે ખંડેર બની ગયા. લોકો પોતાના બાળકોને લઈ અહી ફરવા તેમજ મજા માણવા આવે છે પણ તૂટેલી રાઇડસ હોવાથી તેનો ઉપયોગ કરી શકતા નથી અને માત્ર બગીચામાં બેસીને મજા માણે છે. જ્યારે બીજી બાજુ બગીચામાં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ પણ ન થતાં ઠેર ઠેર પક્ષીઓના પીછાં અને વૃક્ષના પાંદડાઓના ઢગલા નજરે પડી રહયા છે. યુવાનો અને મોટેરાઓ આ બગીચામાં વોકિંગ તેમજ કસરત માટે આવે છે પણ પૂરતી સુવિધાની માંગ કરી રહ્યા છે.
સરકાર દ્વારા પાલિકાને શહેરી વિકાસ વર્ષ અંતર્ગત તેમજ સ્પેશિયલ કેસમાં ટાગોર બાગના નવીનીકરણ અને નવી રાઈડ માટે બે થી ત્રણ વખત લાખો રૃપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા પણ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ રિનોવેશન બાદ પણ આજે ટાગોર બાગની હાલત જેમની તેમ જ છે. જ્યારે બગીચામાં તળાવ પણ આવેલ છે જેમાં પણ હાલ ગંદુ પાણી અને કચરો જોવા મળી રહ્યો છે ત્યારે તળાવને પણ ધોળીધજા ડેમના પાણીથી ભરી રમણીય બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો, સિનિયર સિટીઝનો માંગ કરી રહ્યા છે. 3 લાખની વસ્તી વચ્ચે એક માત્ર ટાગોરબાગ બગીચો આવેલો છે. હવે બગીચામાં આવેલ હીંચકા તેમજ ક્રિયાગણના સાધનો નવા મુકવા ઉઠી માંગ.