બનાસકાંઠા લોકસભાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટને મામલે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તેમજ રાજ્યભરમાં ગેનીબેનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. એવામાં ગેનીબેન ઠાકોરના સમર્થકોએ પાટડી - સુરેન્દ્રનગર હાઇવે ચક્કાજામ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
સમર્થકો રસ્તા પર આવીને વિરોધ પ્રગટ કર્યો હતો જેમાં તેમણે ભાજપ તથા સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી તેમજ પોસ્ટ વાયરલ કરનાર ચિંતન મહેતા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટ વાઇરલ કરનાર ચિંતન મહેતાં પર પોલીસ ફરિયાદ અને અટકાયત ન કરવામાં આવતા રાજ્યભરના ઠાકોર સમાજમાં તથા કોંગ્રેસ સમર્થકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સમર્થકો જીદ પર આવીને વિરોધ પર ઉતર્યા
સમર્થકો મોડી રાતથી અને બપોર સુધી પોલીસ મથકે બેઠા હતા પરંતુ ફરિયાદ દાખલ ન થતાં અને અટકાયત ન કરાતા અંતે સમર્થકો દ્વારા હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો. હાઈવે બ્લોક થતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. કિન્તુ સમર્થકો ટસના મસ ન થતાં પોલીસે બળજબરીનો સહારો લેવો પડ્યો હતો. પોસ્ટ મુકનાર યુવકે માફી પણ માંગી હતી પરંતુ સમર્થકોને માફી મંજુર નથી તેમજ સમર્થકો દ્વારા પોસ્ટ મુકનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ માફી માંગી
સોશિયલ મીડિયામાં ગેનીબેન વિરુદ્ધ પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ બાદમાં માફી પણ માંગી હતી. માફી માંગતા ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, 'પોસ્ટના અનુસંધાનમાં ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો અંત:કરણપૂર્વક માફી માંગુ છું. આદરણીય ગેનીબેન મારા રાજ્યના સાંસદ છે, કોઈપણ પક્ષના હોય પણ તે મારા માટે સન્માનનીય છે. રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટનો અન્ય હેતુ સમજી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું.'
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નવરંગપુરા ગામે રહેતા ચિંતન મહેતા નામના યુવકે સોશિયલ મીડિયામાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે ગેનીબેનને ગદ્દાર ગણાવ્યા હતા.ગેનીબેન ઠાકોરે વકફ બોર્ડ સંશોધન બિલ વિરુદ્ધ મતદાન કર્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટમાં ગેનીબેન ઠાકોરને વતન અને ધર્મના ગદ્દાર ગણાવવામાં આવ્યા છે.
સમર્થકોને માફી મંજુર નથી, કાયદેસરની કાર્યવાહી માટે માંગ
જો કે, પોસ્ટ વાયરલ થતાં જ ગેનીબેનના સમર્થકો તથા ઠાકોર સમાજના અગ્રણીઓ તાત્કાલિક મેદાનમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ડિલિટ કરવા તથા માફી માટે માંગ કરી હતી. બાદમાં યુવકે તાત્કાલિક પોસ્ટ ડિલિટ કરી હતી તેમજ ગેનીબેન તથા ઠાકોર સમાજની માફી પણ માંગી હતી. પરંતુ સમર્થકોને માફી મંજુર નથી તેમજ સમર્થકો દ્વારા પોસ્ટ મુકનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.