
રાજ્યમાં કાળઝાળ ગરમીનું આગમન થઈ ચુક્યું છે ત્યારે ઘણા શહેરો અને ગામડામાં ખેતરો, ફેકટરી અને પેપરમિલમાં આગ લાગવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક નવલગઢ પાસે આવેલી એક પેપરમિલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.
પેપર મિલમાં અચાનક આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી જોતજોતામાં ચારેબાજુ આગને લીધે ધૂમાડાના ગોટેગોટા ઉડયા હતા. આગ લાગવાનું કારણ જોકે અકબંધ રહ્યું હતું. પેપરમિલમાં આગ લાગતા મોટું નુકસાન થવા પામ્યું હતું. આગમાં તમામ સામગ્રી બળીને રાખ બની ગઈ હતી. આગની જાણ થતા ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને આગ કાબૂ કરવા કાર્યરત થઈ હતી. આગને લીધે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.