સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. પેપર મીલમાં રહેલા પેપરના રોલ, પુઠા સહિતનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, વિરમગામ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
80થી વધુ આર્મીના જવાનો આગને કાબુમાં લેવા ઘટના સ્થળે પહોંચ્યા
જોકે, બપોર પછી લાગેલી આગ હજુ સુધી કાબુમાં ન આવતા આર્મીની મદદ લેવામાં આવી છે. 80થી વધુ આર્મીના જવાનો આગને કાબુમાં લેવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પેપર મીલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે. પરંત આગ લાગવા પાછળનું સાચુ કારણ વધુ તપાસ બાદ જ માલુમ પડશે. જ્યારે પેપરમીલના માલીક સહિતનાઓના જણાવ્યા મુજબ આગને કારણે મોટાભાગનો પેપર સહિતનો તમામ મુદામાલ બળીને ખાખ થઈ ગયો છે.