ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામ એક અનોખો ઇતિહાસ ધરાવે છે. ગામમાં લગભગ 200 જેટલા ઘર છે જે દરેક ઘરમાં તરવૈયા છે. ગામના તળાવમાં તે લોકો સ્વિમિંગ શીખ્યા છે. ગામના તળાવમાં જ તૈરાકી શીખીને જિલ્લા લેવાલથી લઈને રાષ્ટ્રીય સ્ટાર સુધી 450 જેટલા મેડલ મેળવ્યા છે. ગામના નિવૃત શિક્ષક દ્વારા લોકોને સ્વિમિંગ શીખવાડવામાં આવે છે. ગામના યુવકો અહીંયા તરતા શીખ્યા બાદ ફાયર બ્રિગેડમાં નોકરીઓ મેળવી રહ્યા છે. ગામમાં આવેલ ચંદ્રાસર તળાવનો ઉપયોગ સ્વિમિંગ માટે કરવામાં આવી રહ્યો છે.
ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામે હળવદના રાજવી ચંદ્રસિંહજીએ 1250માં તળાવ બંધાવ્યું હતું. અદ્ભુત કોતરણી અને બાંધકામ માટે પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું 180 મીટર લાંબું અને 15 ફૂટ ઊંડું ચંદ્રાસર તળાવ ગામલોકોની પાણીની સમસ્યા તો દૂર કરે જ છે પણ ગામના તરવૈયા પણ તૈયાર કરે છે. ગામના શિક્ષક અને તરણકળાના શોખીન કરસનભાઈ પટેલે આ તળાવમાં પ્રેક્ટિસ કરાવીને ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધર્યુ હતું. 1978થી તેમણે ગામનાં બાળકોને તરણકળા શીખવવાનું શરૂ કર્યું છે. આ કારણે અંદાજે 200 ઘર અને 2500ની વસ્તી ધરાવતા પ્રતાપપુર ગામમાં ઘેર ઘેર તરવૈયા છે.
અત્યાર સુધીમાં આ ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. આ ગામના યુવાનોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 55 વાર ભાગ લઈને 6 મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે. તેવી જ રીતે 1200થી વધુ તરવૈયાએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને 60 મેડલ અને જિલ્લાકક્ષાની તરણ સ્પર્ધામાં 400થી વધુ મેડલ મેળવ્યાં છે. નિવૃત શિક્ષક દ્વારા ગામના નાના બાળકોથી લઈને યુવકોને પણ દરરોજ સવારે અને સાંજે આ તળાવની અંદર તરતા શીખવે છે. સાથે બાળકો અને યુવાનો તળાવની અંદર વિવિધ પ્રકારની રમતો પણ રમે છે