
Tapi News : તાપી જિલ્લાના ઉકાઈમાં આવેલી જે.કે. પેપરમીલને તાપી નદીને પ્રદુષિત કરવાના મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-GPCBએ નોટિસ ફટકારી છે.
જે.કે.પેપરમીલનું કેમિકલવાળું પાણી ખાડી મારફતે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. આ બાબતે એક સામાજિક કાર્યકરે વિવિધ સંબંધિત કચેરીઓમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ અંગે તપાસ બાદ GPCBએ નોટિસ ફટકારી છે.
જે.કે.પેપરમીલ દ્વારા ગંદુ કેમિકલવાળું પ્રદુષિત પાણી ખાડીમાં છોડવામાં આવતું હતું અને આ પાણી ખાડીમાં થઈને તાપી નદીમાં જઈએ ભળતું હતું. આ અંગે અરજદાર આશિષ ચૌધરીએ GPCB તેમજ કેન્દ્ર સરકારમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાને લેતા GPCBએ જે.કે.પેપરમીલ સામે આ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે ઉકાઈમાં આવેલી આ જે.કે.પેપરમીલ અગાઉ પણ કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને તેમજ અકસ્માતોને કારણે વિવાદોમાં રહી છે.