
તાપીમાં બુહારી નજીક પાણી પુરવઠાની કામગીરી દરમ્યાન ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરતાં એક મજૂરનું મોત થયું હતું. જેના પગલે પરિવારજનો વિફરતા આદિવાસી આગેવાનો સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
ભેખડ ધસી પડતાં મજૂરનું મોત
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી નજીક પાણી પુરવઠાની કામગીરી ચાલુ હતી. જેમાં પાણી લિકેજની કામગીરી કરતાં દરમિયાન મજૂર ઉપર અચાનક ભેખળ ધસી પડી હતી. જેમાં વ્યારા તાલુકાના ભોજપુર ગામના ૨૫ વર્ષીય તેજસ જગદીશ કોંકણીનું મોત નીપજ્યું હતું. મજૂરનાં મોત બાદ પરિવારજનો વિફર્યા હતા. પરીવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
એજન્સીની બેદરકારીના પરિવારજનોના આક્ષેપ
કામગીરી કરનાર એજન્સીની બેદરકારીના કારણે મોત થયું હોવાના આક્ષેપની સાથે એજન્સીના કર્તાધર્તા ઘટના સ્થળે આવે પછી જ મૃતદેહ સ્વીકારીશું તેમ પરિવારજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી. પરિવારજનો દ્વારા કલાકો સુધી રસ્તો જામ કરવાથી વાહનોની લાંબી કતાર લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના સ્ટાફ સાથે મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.