
મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ હવે શિક્ષણ મંત્રીને પણ પત્ર આપી શિક્ષણના નામે ચાલતા ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો છે. તાપી જિલ્લામાં ચાલી રહેલી રામ કથામાં મોરારી બાપુએ કહ્યું કે, ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે. વટાળ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ધર્મગુરૂઓ મફતમાં ભણાવે છે. બાળકોને સેલવાસ અને દમણની શાળાઓમાં લઇ જવામાં આવે છે. આ સાથે જ મોરારી બાપુ દ્વારા સરકારી શાળાની સ્થિતી સારી ના હોવાની પણ મહત્વપૂર્ણ ટકોર કરી હતી.
હાલ તાપી જિલ્લાના સોનગઢ ગુણસદા ગામે વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. મોરારી બાપુ દ્વારા આદિવાસી પંથકમાં અમુક તત્વો દ્વારા ફોસલાવીને ધર્મપરિવર્તના ખોટા રસ્તે લઇ જતા હોવાનું વ્યાસ પીઠ પરથી જણાવ્યું હતું. ધર્મપરિવર્તનની ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે, આદિવાસી ભાઇબહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે. ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે.
કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર આપ્યો હતો. જણાવી દઈએ કે, શિક્ષકો દ્વારા મોરારી બાપુને અપાયેલ પત્ર બાપુએ શિક્ષણ મંત્રીને આપ્યો. મોરારી બાપુએ મંત્રીને ટકોર કરી કે વધારે ગંભીરતાથી વિચારવાની ચિંતન કરવાની જરૂર છે. આ અંગે પગલાં લેવા પડશે. વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રીની હાજરીમાં બાપુએ કહ્યું કે, શાળામાં ગીતા જયંતિ ઉજવવામાં આવે એ સારી બાબત છે. પરંતુ તકલીફ એ થાય છે કે, 70 ટકા શાળાઓમાં શિક્ષકોમાંથી 75 ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આવું કંઈ થવા દેતા નથી.
કથાકાર મોરારી બાપુએ ધર્માંતરણ મુદ્દે શિક્ષકોએ આપેલો પત્ર શિક્ષણ મંત્રીને આપીને કહ્યું કે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. અહીં શાળામાં 70 ટકા ઈસાઈ શિક્ષકો ગીતા જયંતિ ઉજવવા દેતા નથી. પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે ત્યારે મારે અને તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે. ભાગવત ગીતાના પાઠ અહીં કરાવવામાં નથી આવતા.
તાપીના સોનગઢ ખાતે આવેલા શિક્ષણ મંત્રી ધ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે, પણ એમના મલિન ઈરાદા ધ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓને ફસાવવા, શિસ્તના નામે ખોટા ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે. આવી સ્કૂલોમાં જો મલિન ઈરાદો હશે તો ચોક્કસ પણે કાર્યવાહી કરાશે. ભાગવત-ગીતા અહિંસાના પાઠો શીખવે છે.