
લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે. આ કહેવત કંઈક અંશે તાપી જિલ્લામાં બનેલ એક ઘટનામાં સાચી પડી છે. પરંતુ પોલીસની સમયસૂચકતાથી આરોપીની મુદ્દામાલ સાથે અટક કરાઈ છે. જેમાં તાંત્રિક વિધિ કરી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.
ખેતરમાં તાંત્રિક વિધિ માટે લઈ ગયા
એકના ડબલ કરી આપવાની લાલચ આપીને વ્યારા તાલુકાના તાડકુવા ગામનો એક તાંત્રિક પરબત બરાઈએ તેના સાથી હર્ષદ બાપુ સાથે મળીને કપડવણ ગામના નરેશ ગામીત નામના ફરિયાદીને ભોળવી તાંત્રિક વિધિ કરી એક ના ડબલ કરી આપવાની લોભામણી વાતો કરી તાંત્રિક વિધિ કરવા ખેતરમાં લઈ ગયા હતા. ત્યાંથી તાંત્રિક અને તેનો સાથી 5,51,000 રૂપિયા અને ત્રણ મોબાઈલ લઈ છુમંતર થઈ ગયા હતાં.
આરોપી વોન્ટેડ જાહેર
પીડિત ઇસમે આ અંગે વ્યારા પોલીસ મથક માં ફરિયાદ કરતા આરોપી તાંત્રિક પરબત બરાઈ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, તેની પાસેથી પોલીસે 5,51,000 રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા, જ્યારે આ ગુનામાં સામેલ હર્ષદ બાપુ નામનો ઇસમ પોલીસ પકડ થી દુર છે.જેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.સાથે તાંત્રિક પરબત બરાઈ એ અન્ય કોઈ સાથે આવું કૃત્ય કર્યું છે કે નથી એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.