
સોશિયલ મીડિયાના આ યુગમાં અવનવી રીતે છેતરપિંડી થતી હોય છે. ત્યારે વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને મહિલાએ સંપર્ક કર્યો હતો. જેમાં ફિલ્મમાં બાળકને રોલ આપવના નામે છેતરપિંડી કરવામાં આવી છે.
રજનીકાંતની ફિલ્મમાં રોલ આપવાની લાલચ
સોશિયલ મીડિયામાં સુરેશ નામના વ્યક્તિએ મહિલાની દીકરીને સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે રોલ આપવાનું લોભામણું આશ્વાસન આપ્યું હતું. આ માટે તેણે કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો પણ મોકલ્યા હતા. જો કે તે બધા જ ઠગારા નિવડ્યાં હતાં
ટુકડે ટુકડે રૂપિયા લીધા
સોશિયલ મીડિયામાંથી સામે આવ્યા વગર ભેજાબાજે વિવિધ બહાના હેઠળ મહિલા પાસેથી અલગ-અલગ તબક્કે કુલ 11 લાખ 94 હજાર રૂપિયા પડાવી લીધા. આ સમગ્ર છેતરપિંડી મામલે પીડિત મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.