
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયાર પરવાના મેળવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટમાં સંડોવાયેલા આઠ તત્વોની જામીન અરજીઓ અમદાવાદની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે ફગાવી દીધી છે. આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ ઊભા કરીને મણિપુર અને નાગાલેન્ડથી હથિયારોના પરવાના મેળવ્યા હતા, જેની તપાસ હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા છતાં શંકાસ્પદ રીતે મણિપુર અને નાગાલેન્ડથી હથિયારોના પરવાના મેળવ્યા હતા. સુરેન્દ્રનગર એસઓજીએ આ મામલે કુલ 25 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હતા, જે આ રેકેટની ગંભીરતા દર્શાવે છે.
પ્રથમ તબક્કામાં કોર્ટે આઠ આરોપીઓ ગોપાલ જોગરાણા, દિકેશ સંભાડ, હરિ જોગરાણા, મયુર ભરવાડ, ભરત અલગોતર, રાહુલ અલગોતર, રૂપા જોગરાણા અને નથુ ભમ્ભાની જામીન અરજીઓ નામંજૂર કરી હતી. આ આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે હથિયારોના પરવાના મેળવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.