Home / Gujarat : The Gujarat High Court has taken up the police for exacerbating the traffic problem

'માણસના જીવની કોઇ કિંમત જ નથી?', ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસનો લીધો ઉધડો

'માણસના જીવની કોઇ કિંમત જ નથી?', ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસનો લીધો ઉધડો

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઇને ટ્રાફિક પોલીસનો ઉધડો લઇ લીધો હતો. હાઇકોર્ટે રીક્ષા-જીપ અને સ્કૂલ વાનમાં કેપિસીટી કરતા વધારે મુસાફરો ભરવાને લઇને પણ ટ્રાફિક પોલીસને ફટકાર લગાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતા ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ટ્રાફિક પોલીસનો ઉધડો લીધો હતો.

ચીફ જસ્ટિસે કહ્યું કે, અમદાવાદમાં ઇસ્કોન સર્કલ કે કોઇ પણ સર્કલ પર તમે જાવ તો રીક્ષામાં પેસેન્જર આગળ બેઠો હોય છે, ત્યાંથી જ પ્રાઇવેટ જીપ પણ ઉપડે છે. પ્રાઇવેટ વ્હીકલને જ તમારે દંડવાના છે એવું છે પોલિસીમાં. ટ્રાફિકના રૂલ્સ તોડે તેના માટે શું જુદા જુદા પેરામીટર છે? હાઇકોર્ટે કહ્યું કે, "ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળશે તો 10 પોલીસ કર્મી તેને ઘેરીને ઉભા હશે, તેનો શું પર્પસ છે? તમે ટ્રાફિક પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રાખી છે કે પછી લો એન્ફોર્સ માટે રાખો છો? લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડે. "

ટ્રાફિક પોલીસે જવાબ આપતા કહ્યું કે, DGPએ ટ્રાફિક ડ્રાઇવ ઇશ્યૂ કરી હતી. જવાબમાં હાઇકોર્ટે ફરી ફટકાર લગાવતા કહ્યું કે, "અમે કહીએ એટલે તમે કરવા ખાતર 15 દિવસ ટ્રાફિક ડ્રાઇવ કરો છો. પહેલા પણ અમે સૂચના આપી હતી. પહેલા જે ડીસીપી હતા તે કહેતા હતા કે હાઇકોર્ટ કહે છે એટલે 15 દિવસ ધ્યાન રાખજો. 15 દિવસ પછી હાઇકોર્ટ બોલાવશે તો જવાબ આપી દઇશું. તમે પબ્લિકને આ રીતે સેવા આપવા માંગો છો?"

લક્ઝરી બસ દિવસે પણ શહેરમાં આંટા મારે છે- હાઇકોર્ટ

હાઇકોર્ટે કહ્યું કે, "લક્ઝરી બસ સીટીમાં દિવસે પણ આંટા મારે છે. નોટિફિકેશમાં રાત્રે જ શહેરમાં બસની એન્ટ્રી છે તો પછી દિવસે કેમ ફરે છે. એસટી બસ, લક્ઝરી બસ ગમે ત્યા પાર્ક થાય છે એનું પણ તમને કઇ ધ્યાનમાં આવતું નથી. કોઇ ટુ વ્હીલર પટ્ટાની બહાર ઉભુ કર્યું હશે તો તેને ત્યાંથી ઉપાડી જવાનું પણ આટલી મોટી લક્ઝરી બસ તમને દેખાતી નથી."

સ્કૂલ વાનમાં પણ કેપિસીટી કરતા વધારે બાળકો ભર્યા હોય છે

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતા કહ્યું કે, રિક્ષા હોય, શેરિંગ જીપ ચાલે છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. છોકરાઓની વાન જાય છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. તમે ક્યા બેસિસ ઉપર પરમીટ આપી છે. સીટિંગ કેપિસીટી છ જણની છે તોય તેમાં આઠ પેસેન્જર કેવી રીતે ભરેલા હોય છે.

બાળકો CNG ટેન્ક પર બેસે તોય તમે પરમીટ કરો છો? બહાર સ્કૂલની બેગ પણ લટકતી હોય છે આ કેવી રીતે પરમીશન આપી છે? ફોર વ્હીલર કેરિયર લઇને નીકળે તેને તમે અટકાવો છો, દરેક ટર્નિંગ ઉપર રીક્ષાવાળા ઉભા હોય છે. 

તમારા એક ડીસીપી કહેતા હતા કે, 1500 સ્ટાફના માણસમાં 80 લાખની વસ્તીને અમે કંટ્રોલ ના કરી શકીએ, આ જ તમારો જવાબ હોય તો વાત પતી ગઇ.

માણસના જીવની કોઇ કિંમત જ નથી

ઇંશ્યોરન્સ કંપની પણ એમ કહે છે કે પાંચથી વધારે પેસેન્જર મુસાફરી કરતા હતા એટલે અમે વીમો પાસ ના કરી શકીએ. તો માણસ ક્યા જશે, આ રાજ્યમાં માણસના જીવની કોઇ કિંમત જ નથી. ટ્રાફિકના પ્રોબ્લેમ છે તો અકસ્માત થાય ત્યારે માણસ બિચારો અસહાય બની જાય છે.

રીક્ષાવાળા ગમે ત્યા વાહન ઉભા કરી દે છે, બ્રિજ ઉપર પણ ઉભા કરી દે છે એ તો તમારે જોવાનું જ નહીં એતો તમારી ફરજમાં જ નહીં આવતું હોય?

 

 

Related News

Icon