
વડોદરાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં જાણીતી M.S યુનિવર્સિટીમાં BE ટેક્નોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે. વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરતા ચકચારી મચી ગઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
શું હતી ઘટના?
વડોદરાની M.S યુનિવર્સિટીમાં B.Techમાં બીજા વર્ષમાં અભ્સાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની માહિતી સામે આવી છે. તે એમ વિશ્વેસરાય હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
મળતી માહિતી મુજબ અભિષેક મૂળ જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે અને વડોદરા અભ્યાસ માટે આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. હાલ, પોલીસે વિદ્યાર્થી વિશે હોસ્ટેલના વોર્ડન તેમજ તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને મિત્રોનું નિવેદન લઈને તપાસ હાથ ધરી છે. હોસ્ટેલના રૂમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીએ કોઈ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ તે વિશે માહિતી મળી શકે. નોંધનીય છે કે, હજુ સુધી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી.