
Vadodara News: વડોદરામાંથી દોઢ મહિના આગાઉ ખાણ ખનિજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઘટના બાદ ફરાર રવી મિસ્ત્રી અને સંકેત પટેલને ઝડપી પાડવમાં આવ્યા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
લાંચની રકમ સ્વીકારવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજે ક્લાર્ક કિરણને જણાવ્યું હતું. ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ પાસેથી રેતી સ્ટોક કરવાની પરવાનગી માંગી હતી. પરવાનગી આપવાના અવેજમાં બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા શહેરના અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો હતો.
નર્મદા જીલ્લા ACBએ દોઢ મહિના આગાઉ બે લોકોને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. ઘટના બાદ ફરિયાદ દાખલ થતાં ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવી મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર થયા હતા.
દોઢ મહિનાથી રવી મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા
આટલો સમય તેઓ ક્યાં ફરાર હતા તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેમના આશ્રય સ્થાનોની તપાસ કરવા અને અન્ય કોણ સંડોવાયું છે તેની તપાસ માટે પોલીસે કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યાં કોર્ટ રિમાન્ડ ના મંજુર કરતા બંને જેલ હવાલે કરાયા છે. કોના આશીર્વાદથી આટલો સમય ભૂગર્ભમાં રહ્યાં તે તપાસનો વિષય બની રહ્યો છે.
ACBએ આગાઉ આ મામલે સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ, ક્લાર્ક કિરણ પરમાર, ઇન્ચાર્જ ભુસ્તર શાસ્ત્રી રવી મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી રવી મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પક્કડથી દૂર હતા. યુવરાજસિંહ અને કિરણ હાલ જેલમાં છે. સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ તમામ સ્ટાફ વતી ફરિયાદી પાસે બે લાખની લાંચ માંગી હતી.
ખાણ ખનીજ વિભાગમાં આટલી મોટી રકમની આ સ્થળે લાંચ માંગી હોય તેવી વડોદરામાં કદાચ પ્રથમ ઘટના હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ખેડા અને આણંદ જિલ્લામાં મોટી મિલકતો ધરાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ખેડાના ડાકોર નગરપાલિકાના કાઉન્સિલર છે.