
પતિના અવાર - નવારના માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરવાનું નક્કી કરતા ઉશ્કેરાયેલા ડોક્ટર પતિએ તલાટી તરીકે નોકરી કરતી પત્ની પર કાર ચડાવી દઇ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
પોતાની કાર પૂરઝડપે હંકારીને આવ્યા
વાઘોડિયા તાલુકાના વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે અમીબેન પ્રકાશભાઈ શાહ (રહે.કલ્પચંદ્ર સોસાયટી, વાઘોડિયા, મૂળ રહે. ચંદ્રપ્રભુ ફ્લેટ, હિંગળાજ સોસાયટી રોડ, મહેસાણા ) ફરજ બજાવતા હતા. ગત તા. ૪ થી એ સાંજે નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા. તવરા ગામ નજીક તેમના ડોક્ટર પતિ પ્રતિક ઘનશ્યામભાઇ મહેતા (રહે. કડી ગામ, ગોલ્ડન બંગ્લોઝ, તથા શ્લોક પરિશર ઇ.સી.બી. ફ્લોરાની ગોતા બ્રિજ, અમદાવાદ હાલ રહે. અણખોલ ગામ, વાઘોડિયા રોડ) પોતાની કાર પૂરઝડપે હંકારીને આવ્યા હતા. તેમણે પત્નીના મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી કારથી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
અકસ્માતના પગલે રાહદારીના ટાળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ જતા અકસ્માત કરનાર ડોક્ટર પતિને લોકોએ સ્થળ પરથી ઝડપી પાડયો હતો. અમીબેનને માથા તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજા થતા તેઓને એમ્બ્યુલન્સમાં વાઘોડિયાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર ડોક્ટર પતિએ જાતે જ પોતાને ઇજાઓ પહોંચાડતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. વાઘોડિયા પોલીસે અકસ્માતના સ્થળે એફએસએલ અને RTOના અધિકારીઓએ સાથે તપાસ હાથ ધરી હતી.
જમાઇએ જાનથી મારી નાંખવાની ધમકી
દરમિયાન બનાવ અંગે અમીબેનના પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મારી દીકરીએ કેસ કરવાનું કહેતા જમાઇએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ બનાવના દિવસે મારી દીકરીને કારથી કચડી નાંખી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.