Home / Gujarat / Vadodara : Leaders expressed no sorrow, only formality

Vadodara બ્રિજ દુર્ઘટના: નેતાઓએ દુ:ખ નહીં માત્ર ફોર્માલિટી વ્યક્ત કરી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Vadodara બ્રિજ દુર્ઘટના: નેતાઓએ દુ:ખ નહીં માત્ર ફોર્માલિટી વ્યક્ત કરી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Vadodara News: પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ઉજાગર કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ, કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પરંતુ તે પોસ્ટ કરવામાં પણ એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. કારણે કે તમામ મેસેજ બીબાઢાળ એક સરખા જ છે. કોઈએ પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નહીં હોવાનું તેવું સ્પષ્ટ જોવા મળે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુખ્યમંત્રીનો 'લૂલો બચાવ'

આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.’ આ નિવેદનને વિપક્ષે 'લૂલો બચાવ' ગણાવ્યો છે, કારણ કે તેમાં જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર શોક વ્યક્ત કરાયો છે.

ભાજપ નેતાઓની ઔપચારિકતા

મુખ્યમંત્રીના પગલે ભાજપના અન્ય નેતાઓ જેવા કે પરષોત્તમ રૂપાલા, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, વિનોદ ચાવડા, વિશાલ ઠાકર, ભૂષણ અશોક ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના અનેક નેતાઓએ એકસરખો, શબ્દસહ બીબાઢાળ મેસેજ કોપી-પેસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. જે માત્ર એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું.

આ પ્રકારની બીબાઢાળ પ્રતિક્રિયાને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ ભારે મજાક અને ટીકાને પાત્ર બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોય ત્યારે શાસક પક્ષના નેતાઓ આટલી ગંભીર ઘટનાને માત્ર કોપી-પેસ્ટ મેસેજથી શા માટે પતાવી રહ્યા છે? આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા અંગે તંત્રની બેદરકારી પર મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહી માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા 2 - image

ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહી માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા 3 - image

સોશિયલ મીડિયા પર પણ અપાઈ હતી ચેતવણી

આશ્ચર્યજનક રીતે, એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેમણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે, 'તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો.' આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી છતાં, તંત્ર દ્વારા તેની ગંભીરતાને ધ્યાને લેવામાં આવી ન હતી.

પૂર્વ ચેતવણી છતાં તંત્ર નિષ્ક્રિય

મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રિજના પિલરોમાં ખામી સર્જાઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં, તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજના અકસ્માતને સ્પષ્ટપણે માનવસર્જિત દુર્ઘટના કહી શકાય, કારણ કે તંત્ર પાસે બ્રિજની જર્જરિત સ્થિતિના પૂરતા પુરાવા હોવા છતાં, સમયસર અને યોગ્ય પગલાં લેવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને રાજ્યભરના આવા જર્જરિત પુલોની તાત્કાલિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી કરી છે.

Related News

Icon