
Vadodara news: વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અને તે બાદ રસ્તાઓ અને અન્ય સમસ્યાની મેયરને રજૂઆત માટે વડોદરા મનપા કચેરીએ પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને નવાપુરા પોલીસે 30થી વધુ આપના કાર્યકરોની અટકાય કરી હતી. જો કે પોલીસને કાર્યકરોની અટકાય માટે વાહનો પણ ખૂટી પડયા હતા. જેથી પોલીસને એક પછી એક ફેરા મારવા પડયા હતા. આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી જતા પોલીસને અટકાયતીઓને લઈ જતા પરસેવો છૂટ્યો હતો. વાહનો ખૂટી જતા દોડધામ મચી હતી. મહિલા પોલીસ પણ દોડતી થઈ હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂવાત માટે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બનીને દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી. વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની રાજીનામુ આપે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી. આમ આદમીનો આક્ષેપ મેયર પનોતી છે તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરતા ઉતેજના ફેલાઈ હતી.
આટલું ઓછું હોય તેમ મેયર પિન્કીબેન સોની વડોદરામાં નહી હોવાથી કાર્યકરોનો પારો આસમાને પહોંચ્યો હતો. મેયર પિન્કીબેન સોની પનોતી છે તે જયારથી મેયર પદે આવ્યા છે ત્યારથી વડોદરાના નાગરિકોની સમસ્યા વકરી હોવાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ ટોળાંએ મેયર કચેરીને બાનમાં લઈ ઓફિસ બહાર બેસી જતા ઉતેજના થઈ હતી. આ ઘટનાને પગલે નવાપુરા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે અટકાયતી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કાર્યકરોની સંખ્યા ખૂબ હોવાથી વાહનો પણ ખૂટી પડયા હતા. જો કે પોલીસના વાહનોને ફેરા મારવાની નોબત આવી હતી.