
રાજ્યની સાવલીની પોકસો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મના આરોપી અને માતાજીના ભુવા તરીકે ઓળખ આપનાર આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ મથકે તા.૨૩ /૪ /૨૦૨૨ ના રોજ સગીરા સાથે દુષ્કર્મના બનાવવામાં આરોપી જયંતિ ઉર્ફે ગુગો રાયસીંગ ઠાકોર રહે મકરપુરા વડોદરા સામે પોકસો અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ભુવા તરીકે ઓળખ આપીને એક ગામમાં લોકોનો પરિચય કેળવ્યો
જયંતી ઉર્ફે ગુગો પોતે માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને એક ગામમાં લોકોનો પરિચય કેળવ્યો હતો.ગામ લોકોની ધામક લાગણીઓનો દુરુપયોગ કરી ભોગ બનનાર સગીરાના સાથે પરિચય કેળવ્યો હતો અને સગીરાના ઘરે આવતો જતો અને રાત્રી રોકાણ કરતો હતો તેમજ પીડીતાના પરિવારને ધામક અંધશ્રદ્ધામાં ભોળવીને ભોગ બનનારને ખોટા સોગંદ આપી તેની સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવાની ધમકી અને ખોટા સોગંદ આપ્યા હતા.
સગીરાને યુક્તિપૂર્વક સીવણ ક્લાસમાં જવા ઘરેથી બોલાવી રિક્ષામાં બેસાડીને જુદા જુદા સ્થળોએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.જેની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.જેનો કેસ સાવલીની પોકસો કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટમાં આરોપીને કસુરવાર સાબિત થયો હતો. કોર્ટે આરોપીને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, તેમ જ વિવિધ ઈપીકોના વિવિધ ગુનામાં ૩,૦૦૦ નો દંડ અને ૩ વર્ષની સખત કેદની સજા તેમજ પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે , તેની સાથે ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે તેમજ આરોપી જે દંડની રકમ કોર્ટમાં જવા જમા કરાવે તે પણ ભોગ બનનારને ચૂકવી દેવા હુકમ કર્યો છે.