
વડોદરા મહાનગરપાલિકા ઘણા સમય બાદ આખરે સરકારી મિલકત વેરાની ઉઘરાણી માટે કડક હાથે કામગીરી હાથ ધરી છે. ખાનગી સંપત્તિ બાદ હવે સરકારી તેમજ અર્ધ-સરકારી મિલકતોની પણ બાકી વેરાની વસૂલાતની કડક હાથે કરી રહી છે.
વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપોમાં આવેલી કેન્ટિન અને ઓફિસને મનપા તંત્રએ સીલ મારી દીધું છે. વોર્ડ નં-19ના અધિકારીઓ દ્વારા એસટી ડેપોના બાકી નીકળતા 46 લાખની રકમની વસૂલાતો માટે કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કડક કામગીરી દરમ્યાન કોઈપણ મુસાફરને અડચણને પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ સહિત ટિકિટ બારીને સીલ નથી માર્યું.
મકરપુરા વિસ્તારમાં આવેલી સરકારી એસટી ડેપોના જુદાજુદા બે બિલ કે જેની કુલ રકમ 46 લાખ જેટલી મનપા તંત્રને લેવાની બાકી નીકળે છે. મનપા દ્વારા આગામી દિવસોમાં સરકારી તેમજ અર્ધસરકારી મિલકતોના વેરા વસૂલાત માટે પાણી કનેક્શન કાપવાની પણ કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં ખાનગી મિલકતોને સીલ માર્યા બાદ પાલિકા તંત્ર હવે સરકારી-અર્ધસરકારી મિલકતો પાસેથી વેરાની કડક હાથે વસૂલાત કરશે.