
હોળી-ધૂળેટીના તહેવારોને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા મનપાની ખોરાક શાખાએ સમગ્ર શહેરમાં સપાટો બોલાવી દીધો હતો. તેલમાં વાનગી બનાવતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની ટીમે જાત તપાસ બાદ અખાદ્ય વસ્તુઓના જથ્થાનો નાશ કર્યો હતો.
કોર્પોરેશનની ખોરાક શાખાનો સપાટો
વડોદરા શહેર મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ આરોગ્ય વિભઆગની ચાર ટીમો બનાવીને શહેરના રાવપુરા, ટાવર, નવાબજાર, એમજી રોડ સહિતના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વારંવાર એક જ તેલમાંથી ફરસાણ સહિતના સામગ્રીઓ બનતી હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હતા. જેના પગલે ટીમે વિવિધ ગલ્લા, દુકાનો, રૅસ્ટોરન્ટમાં સપાટો બોલાવી દીધો હતો.
મનપાની ફુડ સેફ્ટીના અધિકારીઓ દ્વારા વડોદરામાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.સમોસા, વેફર, ભજિયાના વેપારીઓને ત્યાં તલ અને અન્ય તપાસ હાથ ધરી હતી. ગોપાલ ભજિયા હાઉસ પાસે લાયસન્સ નહીં હોવાથી તંત્રએ તાત્કાલિક દુકાનને બંધ કરાવી દીધી હતી.
જ્યારે નવા બજામાં આવેલી જૈન કચોરીમાંથી તેલના નમૂના લીધા હતા. જેના ટીપીસી 25 કરતાં વધુ દેખાયા તે ખાદ્ય તેલનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. વારંવાર એકજ તેલમાં ફરસાણ બનતું હોય આ પ્રકારના તેલમાં બનેલા ફરસાણ ખાવાથી લોકોનું આરોગ્ય બગડી જતું હોય છે. જેના લીધે તંત્રએ વિવિધ સ્થળેથી નમૂના લઈ લેબમાં મોકલ્યા હતા. અને અન્ય અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.