
વડોદરા શહેર SOG દ્વારા પ્રતિબંધિત દવાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.જેમાં નાર્કોટિક સબસ્ટન્સ ધરાવતી પ્રતિબંધિત ટ્રામાડોલની 1.59 લાખ કેપ્સુલ અને ટેબલેટ તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ આવરી લેવાયેલા કોડીન કફ સીરપની 4785 બોટલો જપ્ત કરી છે. પોલીસે બે આરોપીને ઝડપી નશા કારક દવાઓ વેચતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને કુલ 32.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
SOGએ વાઘોડિયા રોડ વિસ્તારમાં વોચ ગોઠવી
બાતમી આધારે SOGએ વાઘોડિયા રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.જેમાં મેડિકલ સ્ટોર ઉપરથી જ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ એનડીપીએસ હેઠળ પ્રતિબંધિત દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોવાનું બહાર આવ્યું હતું.
ઓકલેન્ડ ફાર્મસી મેડિકલ સ્ટોર ઉપર દરોડો પાડ્યો
SOGની ટીમે વાઘોડિયા રોડ પર ઓકલેન્ડ ફાર્મસી મેડિકલ સ્ટોર ઉપર દરોડો પાડ્યો હતો.જ્યાં પ્રતિબંધિત કોડીન સીરપનો જથ્થો ઝડપાયો હતો.અને વધુ જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપી વિપુલ સતિષભાઈ રાજપૂતે ઘરે જથ્થો છુપાવ્યો હોવાની જાણકારી આપી હતી.