વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર દોડતા એક ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ દ્રશ્ય જોઇને રસ્તા પર ં અફરાતફરી મચી ગઇ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ડમ્પર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ડમ્પર હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક આગ લાગતા ચાલકે તાત્કાલિક રીતે વાહનને રસ્તાના કિનારે ઊભું રાખીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી અને વધુ નુકસાન થાય એ પહેલા આગ પર કાબૂ મેળવી લીધો. હાલ સુધી આગ લાગવાનું સાચું કારણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇન્જિન ઓવરહીટ થવા અથવા ઇલેક્ટ્રિકલ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.