Home / Gujarat / Valsad : identity of the PSI was stolen from the jewellers

વાપીમાં PSIની ઓળખ આપી જ્વેલર્સ પાસેથી કર્યો તોડ, દમ મારનાર અસલી પોલીસના હાથે આ રીતે ઝડપાયો

વાપીમાં PSIની ઓળખ આપી જ્વેલર્સ પાસેથી કર્યો તોડ, દમ મારનાર અસલી પોલીસના હાથે આ રીતે ઝડપાયો

વલસાડ જિલ્લા પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી ધાક ધમકી આપી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતા એક નકલી પોલીસને ઝડપી પાડી છે.આરોપીએ એક જ્વેલર્સને ધમકાવી અને ઓનલાઇન 29,000થી વધુ રૂપિયા પડાવી લીધા હતા. જોકે પોલીસ સ્ટેશન મામલો પહોંચતા અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

જ્વેલર્સ પાસેથી તોડ કર્યો

ઔદ્યોગિક નગરી વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી ટીંકુ જ્વેલર્સના માલિક પાસેથી પોલીસના નામે ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનો એક બનાવ સામે આવ્યો હતો.આ મામલે ભોગ બનેલા જ્વેલર્સ માલિકે વાપી પોલીસનો સંપર્ક કરતા આખરે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક રીતે જાણવા મળ્યું કે, ટિંકુ જ્વેલર્સના માલિકને થોડા સમય અગાઉ પીએસઆઇ અર્જુનસિંહ ઝાલાની ઓળખ આપી ધાક ધમકી આપીને ધમકાવી એક વ્યક્તિએ 29,000થી વધુ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ પોલીસના નામે તોડ પાણી કરી હોવાની વાત બહાર આવતા જ વલસાડ જીઆઇડીસી પોલીસએ આ મામલે તપાસના અંતે પોલીસે વડોદરાના આલમગીરી વિસ્તારમાં રહેતા અભિષેક ઉર્ફે કાંતિભાઈ સાવલિયા નામના એક આરોપીની ધરપકડ કરી છે. 

બીલના નામે દમ આપ્યો

અભિષેક ઉર્ફે કાંતિ સાવલિયાની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. થોડા સમય અગાઉ આરોપી અભિષેકની પત્નીએ ટીંકુ જ્વેલર્સમાંથી એક વીંટી લીધી હતી.જે તે વખતે જ્વેલર્સના માલિકે બીલ આપ્યા વિના જ બારોબાર વીંટી વેચી હતી.આથી આ વાતને ધ્યાન રાખી આરોપીએ જ્વેલર્સ માલિકને પીએસઆઇ અર્જુનસિંહ ઝાલા તરીકેની ઓળખ આપી સંપર્ક કર્યો હતો. બીલ વિના જ દાગીના વેચતા હોવાના મામલે ધમકી આપી હતી. કાર્યવાહીથી બચવા તાત્કાલિક રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવા માંગ કરી હતી.આથી ડરી ગયેલા જ્વેલર્સ માલિકે આરોપી અભિષેકના ખાતામાં 29 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવી દીધા હતા. જોકે ત્યારબાદ જ્વેલર્સ માલિકને શક જતા તેણે જીઆઇડીસી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરું કરી હતી. આખરે આરોપી ઝડપાઈ જતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.