
લોકસભાની ચૂંટણીમાં સુરતના ઉમેદવારો ગાયબ થઈ ગયા હતાં. ત્યારે હાલ એવો જ ઘાટ વલસાડમાં સર્જાયો છે. ધરમપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ ડાભડીયા રવિવારે બપોરથી અચાનક ગાયબ થઈ ગયા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.ઉમેદવારના અચાનક ગાયબ થવાને લઈને કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો મૂક્યા છે.
શોધખોળ છતાં કોઈ પતો નહી
કોંગ્રેસના મહામંત્રીએ ધરમપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, લાંબા સમયથી ધરમપુર નગરપાલિકા પર શાસન કરતી ભાજપ હારનો ડર અનુભવી રહી છે અને તેથી હરીફ ઉમેદવારને ગાયબ કરવા જેવા કૃત્યો કરી રહી છે. રવિવાર બપોરથી સંદીપ ડાભડીયાનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા તેમના પરિવારજનો, સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ વ્યાપક શોધખોળ હાથ ધરી છે. મોડી રાત સુધી ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
તપાસની માગ
કોંગ્રેસના આરોપ મુજબ, સત્તાધારી પક્ષ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યો છે. આ ઘટનાએ ધરમપુર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો અને કોંગ્રેસના આગેવાનોએ ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી છે અને તપાસની માગ કરી છે.