
વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડર મામલે રિમાન્ડ પર રહેલા આરોપીએ કરેલી વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે. 8 જૂનમાં ડભોઈમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. 8મી જૂનના રોજ ડભોઇમાં એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરવામાં આવી હતી.
ડભોઈમાં પણ દિવ્યાંગ યુવાનની કરી હતી હત્યા
ટ્રેનના વિકલાંગ ડબ્બામાં સાથે મુસાફરી કરનાર અલ્પદ્રષ્ટિ (દિવ્યાંગ) યુવકની હત્યા કરી હતી. આરોપીએ કબલ્યું કે રેલવે સ્ટેશન પર દિવ્યાંગ યુવાનને ઉતાર્યો હતો, ત્યાર બાદ તેને લૂંટીને હત્યા કર્યા પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
25 દિવસમાં કુલ 6 હત્યા કરી જેમાં 5 રેપ વિથ મર્ડર
અત્યાર સુધી આરોપીએ 25 દિવસમાં કરેલી 5 રેપ વિથ મર્ડરના ગુનાઓનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં આગામી સમયમાં આરોપીએ કરેલા અન્ય ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ITના દરોડા: ટ્રોગોન, રાધે અને ધરતી સાંકેત ગ્રૂપ પાસેથી 10 કરોડની રોકડ મળી, બેન્કના 15 લોકર સીલ
શું હતો મામલો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે રહેતા પરિવારની દીકરી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની 14 નવેમ્બરે ટ્યુશન પર ગઈ હતી, પરંતુ આ પછી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી
વિદ્યાર્થિની મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ દીકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જેમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારના લોકોએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.