
4 અને 5 જુલાઇએ બોટાદના સારંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઇ રહી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે એટલું જ નહીં, પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઇ છે.
એવુ જાણવા મળ્યુ છે કે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઇને સસ્પેન્સ પૂર્ણ થશે કેમ કે, ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
કાર્યકારી પ્રદેશ પ્રમુખની રેસમાં આ નામ ચર્ચામાં
પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, દેવુસિંહ ચૌહાણ, આઇ.કે.જાડેજા, વિનોદ ચાવડા, મયંક રાવલ, ગોરધન ઝડફિયા, દિનેશ અનાવાડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સારંગપુરમાં મળશે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક
બોટાદ સ્થિત પુરુષોત્તમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઇને આયોજન કરવામાં આવશે. સાથે સાથે આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઇને પણ રણનીતિ ઘડવામાં આવનાર છે. બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તે પસાર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીકનું સપનું ચકનાચૂર થયુ હતું.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરતાં ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરાશે. જુલાઇના બીજા સપ્તાહથી ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઇ રહ્યુ છે તે અંગે પણ ભાજપના વિવિધ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત-પાલિકાની ચૂંટણી ભાજપ માટે પડકાર સમાન છે. આ જોતાં ફરી એકવાર સંગઠનને ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલાં કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. તેનુ કારણ એ છે કે, રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઇને આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ ઉપરાંત સાંસદમાં રાહુલ ગાંધીએ એવી ચેલેન્જ આપી છે કે, ગુજરાતમાં કોંગ્રેસને જીતાડીને દેખાડીશું. આ ચેલેન્જને પગલે પણ ભાજપ મનોમંથન કરશે.