
ગુજરાત સરકાર એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે ત્યારે બીજી તરફ ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા IPS અધિકારીઓની અવગણના કરાય છે. ગુજરાતમાં અત્યારે કૂલ 30 મહિલા IPS અધિકારી છે. જોકે, એક પણ મહિલા IPS અધિકારી રાજ્યના પોલીસ વિભાગમાં મહત્ત્વના કહેવાતા હોદ્દા પર નથી. રાજ્યમાં અત્યારે અરવલ્લી જિલ્લામાં જ શૈૈફાલી બરવાલ એકમાત્ર મહિલા IPS અધિકારી છે.
ગુજરાત સરકારમાં 194 IPS અધિકારી
ગુજરાત સરકારમાં IPS અધિકારીઓની સંખ્યા 194 છે તેમાં લગભગ 15 ટકા એટલે કે 30 મહિલા IPS મહિલા પોલીસ અધિકારીઓ રાજ્યમાં ફરજ બજાવે છે. આ પૈકી મોટાભાગની મહિલાઓ પોલીસ અધિકારીઓને SRPF, પોલીસ રિક્રુટમેન્ટ, જેલ સુપ્રિટેડન્ટ, સ્પેશ્યલ બ્રાંચ, CID ક્રાઇમ, IB, વેસ્ટન રેલવે, પોલીસ એકેડમી, મેટ્રો સિક્યુરિટી કમાન્ડન્ટ, ટ્રાફિક DCP, પોલીસ હેડ ક્વાર્ટર્સ અને પોલીસ કંટ્રોલ રૂમ જેવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે છે. આ નિમણૂકોનો સીધો મતલબ એવો થાય છે કે સરકારને મહિલા IPS અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં રસ નથી અથવા તો તેમની કામગીરી ઉપર ભરોસો નથી.
ગુજરાતમાં ઘણી મહિલા IPS અધિકારીઓ પુરૂષ અધિકારીઓને ઝાંખા પાડે એવી કામગીરી કરી ચુકી છે. ઉષા રાડા અમદાવાદ મહિલા ક્રાઇમમાં હતા ત્યારે તેમણે આતંકવાદીઓને પકડવામાં મહત્ત્વની જવાબદારી અદા કરી હતી. તેમને હાલ સાઇડ પોસ્ટિંગ ઉપર વડોદરા જેલના સુપ્રિટેડન્ટ બનાવી દીધા છે. અમદાવાદમાં આર્થિક ગુના અટકાવવા માટે ઇકોનોમિક સેલના ડીસીપી તરીકે ભારતીબેન પટેલને ડીસીપી બનાવ્યા હતા. તેમણે પણ આર્થિક ગુનાઓ કરતાં ગુનેગારોની ઉંઘ હરામ કરી દીધી હતી. હવે એ પણ બાજુ પર મુકાઇ ગયાં છે.
સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતાનો કેસ જાંબાઝ પોલીસ અધિકારીઓ ઉકેલી શક્યા નહોતા. વીધી ચૌધરીએ સાડી પહેરીને સામાન્ય મહિલા હોય ને પોલીસ અધિકારી ના હોય તે રીતે વર્તીને દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતા પાસેથી આરોપીઓના નામ જાણીને ગુનેગારોને પકડી પાડ્યા હતા.
ગીથા જોહરી સિવાય કોઇ મહિલા IPS હજુ સુધી DGP કે કમિશનર બન્યાં નથી
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઇ મહિલા IPS અધિકારીઓને રાજ્યનાં પોલીસ ચીફ કે રાજ્યનાં ચાર મોટા શહેરોમાંથી કોઇ એક શહેરમાં પોલીસ કમિશનર બનાવાયાં હોય એવો એકમાત્ર કિસ્સો ગીથા જોહરીનો છે. ગીથા જોહરીને પહેલાં રાજકોટ પોલીસ કમિશનર બનાવ્યાં હતાં અને એ પછી રાજ્યના પોલીસ વડા એટલે કે DGPપદે નિમણૂક કરાઇ હતી.
ગીથા જોહરી મહિલા પોલીસ અધિકારી હોવા છતાં લતીફના વિસ્તારમાં ઘુસી ગયા હતા. રાજકોટ પોલીસ કમિશનર ગુનેગારોના છક્કા છોડાવી દીધા હતા. ડીજીપી તરીકે પણ તેમણે ગુનેગારોની ઉંઘ હરામ કરી દીધી હતી.
ગીથા જોહરી સિવાય કોઇ મહિલા અધિકારી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ કમિશનર કે પોલીસ વિભાગના અન્ય કોઇ ઉંચા હોદ્દા પર નિમાયાં નથી. મહિલા IPS અધિકારીઓને ચોક્કસ પ્રકારનાં પોસ્ટિંગ જ અપાય છે અને કોઇ પણ સારી પોસ્ટ પર મુકવામાં આવતાં નથી. ઘણાં ઉચ્ચ મહિલા પોલીસ અધિકારીઓ આ અંગે અસંતોષ વ્યક્ત કરે છે પણ કોઇ તેમના અસંતોષને ગણકારતું નથી.
30માંથી માત્ર 4ને સરખા હોદ્દા, બાકીનાંની અવગણના
જે મહિલા IPSને સરખા હોદ્દા અપાયા છે તેમાં લવિના સિન્હાને અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી બનાવાયાં છે જ્યારે વડોદરાના એડિશનલ પોલીસ કમિશનર તરીકે લીના પાટીલને મુકાયાં છે. પન્ના મોમૈયાને વડોદરા ઝોન-4ના ડીસીપી તેમજ વિશાખા ડબરાલને અમદાવાદ ઝોન-3ના ડીસીપી બનાવ્યા છે. અલબત 30 અધિકારીઓમાંથી માત્ર 4 મહિલા અધિકારીને જ સારા હોદ્દા આપવાથી મહિલા અધિકારીઓને થતો અન્યાય દૂર થતો નથી.
ગુજરાતમાં 30 મહિલા IPSની યાદી
IPS અધિકારીનું નામ | સાઇડ પોસ્ટિંગ |
નિરજા ગોટરૂ | ડીજીપી, પોલીસ રિક્રુટમેન્ટ |
નિપુર્ણા તોરવણે | પ્રિ.સેક્રેટરી હોમ |
ડૉ.અર્ચના શિવહરે | SRPF |
ગગનદિપ ગંભીર | વહિવટી અધિકારી, ગાંધીનગર |
પરીક્ષિતા રાઠોડ | ડી.આઇ.જી., CID ક્રાઇમ |
સારાહ રિઝવી | ડીઆઇજી હેડક્વાર્ટર્સ અને વહિવટી જમ્મુ |
વીધી ચૌધરી | એડી.સી.પી સ્પે.બ્રાન્ચ, અમદાવાદ |
લીના પાટીલ | એડી.સી.પી,વડોદરા |
શ્વેતા શ્રિમાળી | ડે.ડાયરેક્ટર, આઇ.બી,ન્યુ દિલ્હી |
સરોજકુમારી | ડીઆઇજી, વેસ્ટર્ન રેલવે, વડોદરા |
સુધા પાન્ડે | ડીઆઇજી, SRPFષ રાજકોટ |
સુજાતા મઝમુદાર | જોઇન્ટ ડાયરેક્ટર, કરાઇ એકેડમી |
ઉષા રાડા | જેલ સુપ્રિટેડન્ટ, વડોદરા |
ભારતી પંડ્યા | કમાન્ડન્ટ, મેટ્રો અમદાવાદ |
ડૉ. લવિના સિન્હા | ડીસીપી સાયબર ક્રાઇમ, અમદાવાદ |
પન્ના મૌમૈયા | ડીસીપી ઝોન-4, વડોદરા |
વિશાખા ડબરાલ | ડીસીપી ઝોન-3, અમદાવાદ |
પુજા યાદવ | ડીસીપી ટ્રાફિક, રાજકોટ સિટી |
ફાલ્ગુની પટેલ | કમાન્ડન્ટ, SRPF, ગાંધીનગર |
બિસાખા જૈન | કમાન્ડન્ટ, SRPF, પાવડી-દાહોદ |
ડૉ. નિધી ઠાકુર | જેલ સુપ્રિટેડન્ટ, અમદાવાદ |
બન્નો જોશી | ડીસીપી, હેડ ક્વાટર્સ, અમદાવાદ |
વાગિશા જોશી | ASP, ધંધુકા |
સાહિત્યા. વી | ASP, પોરબંદર સિટી |
સુમન નાલા | ASP, દાંતા, બનાસકાંઠા |
અંકિતા મિશ્રા | ASP,વલસાડ |
સિમરન ભારદ્વાજ | ASP ધોરાજી, રાજકોટ |
પ્રતિભા | ASP, લાલપુર, જામનગર |
વૈદીકા બિહાની | ASP, બનાસકાંઠા |