
ગુજરાત હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યભર માટે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી રામાશ્રય યાદવે આગાહી આપતા જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગઈ કાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતના કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠેકઠેકાણે બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરા સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આવતીકાલથી ફરી હિટવેવની આગાહી આપવામાં આવી છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 15થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હિટવેવની સાથે યેલો અલર્ટની આગાહી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.