
નવસારીમાં દુલ્હન પંડપમાંથી આવી વોટ આપવા
લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ખૂબ મહત્વનું પાસું છે ત્યારે મતદાનના મહત્વને સમજીને બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપથી સીધા આવીને મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાય એ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. મતદાન બાબતે અતિ જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો છે ત્યારે અન્ય મતદારોને પણ મતદાન માટેની અપીલ કરી રહી છે.
જૂનાગઢમાં વરરાજાએ મતદાન કર્યું
જૂનાગઢમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પર્વમાં વરરાજાએ મતદાન કર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ઝાંઝરડા મતદાન બુથ ઉપર ઋત્વિક કાછડીયાએ મિત્રો સાથે મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યું હતું. તેમજ ચૂંટણી પર્વમાં મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાન કરી વરરાજા ખુશી વ્યક્ત કરી હતી.
જામનગરના ધ્રોલમાં પણ વરરાજા પરિવાર સાથે પહોંચ્યા
જામનગર જિલ્લામાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને ગજબ ઉત્સાહ જોવા મળ્યો છે. એક વૃદ્ધ કાકા વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે વધુ એક વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી. માર્ગ મકાન કચેરી ખાતેના મતદાન કેન્દ્રમાં કર્યું મતદાન કર્યું.
લગ્નના હરખ વચ્ચે ભાવનગરમાં કન્યા વોટ આપવા પહોંચી
લગ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી વિસ્તારમાં એક કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. હાલ ભાવનગર શહેરમાં વડવા બ વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, ભારે ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરીતાબેન વિનોદભાઈ બાબરીયા નામના દુલ્હન કે જેમની જાન માંડવે આવી ચૂકી છે અને લગ્નના ફેરા ફરવાની દસ જ મિનિટની વાર છે તે પહેલા જ તેમને મતદાન કરવાની નૈતિક ફરજ સમજી અને મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા, સજેલીધજેલી દુલ્હનને જોઈ મતદાન મથકના કર્મચારીઓ પણ અસંબિત થયા હતા. દુલહને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપી.
રાજકોટના ઉપલેટામાં વરરાજા પહોંચ્યા મતદાન મથકે
રાજકોટમાંથી પણ એક વરરાજા લગ્ન બંધનમાં જોડાયા પહેલા મતદાન કરવા આવી પહોંચ્યા હતા. રાજકોટ જીલ્લાના ઉપલેટામાં વરરાજાએ મતદાન કર્યું હતું. યુવકે લગ્ન ગ્રંથીથી જોડાવા પહેલા મતદાન મથક પર પહોંચીને ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું હતું. તેમજ મતદાન કરી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી.
જુનાગઢના માંગરોળમાં એક યુગલ મતદાન કરવા આવી પહોંચ્યું
જુનાગઢ માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાય છે જેમાં માંગરોળમાં આજે સવારે ઇવીએમમા ખામી સર્જાતા મતદાન રોકાયું હતું પરંતુ ફરીવાર શરૂ થતાં મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં એક યુગલ પણ મતદાન કરવા આવી ચડ્યું હતું. માંગરોળ શહેરમાં નગરપાલિકા ચુંટણીમાં શાંતિ પુર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું.
દાહોદમાં ભાઈ સાથે વોટ આપવા પહોંચી દુલ્હન
દાહોદમાં લગ્નના ફેરા ફરતા પહેલા દુલ્હન મતદાન કરવા પહોંચી હતી. દાહોદ જિલ્લામાં લીમખેડા બાંડીબારમાં મત આપવા દુલ્હન આવી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની પેટા ચુંટણીમાં પોતાના ભાઈ સાથે દુલ્હન ડો.પરીંદા પંચાલ મત આપવા પહોંચી ગઈ હતી. દુલ્હને જણાવ્યું કે, પહેલા મતદાન પછી કન્યાદાન.
ભરુચમાં વરરાજા પરિવાર સાથે પહોંચ્યા મતદાન મથકે
ભરૂચમાં પણ એક વરરાજા પોતાના પરિવાર સાથે મત આપવા માટે આવ્યો હતો. ભરુચ જિલ્લામાં આમોદના ભીમપુરા ગામે જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે વરરાજા મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું તેમજ વરરાજાએ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ઘાટલોડિયા ગામમાં વરરાજાએ આપ્યો મત
અમદાવાદમાં પેટા ચૂંટણી મામલે અમદાવાદના ઘાટલોડિયા ગામમાં વરરાજાએ મતદાન કર્યું હતું. વરરાજા લગ્ન કરવા જતા પહેલા મતદાન કર્યું તેમજ વરરાજાએ મતદાન કરવા માટે લોકોને પ્રેરણા આપવા માટે લગ્ન કરવા જતા પહેલા મતદાન કર્યું હતું. વરરાજા મતદાન કરવા ગયા ત્યારે ભાજપના ઉમેદવાર પ્રવીણ અંબાલાલ પટેલ અને સ્થાનિક નેતા પણ ત્યાં હાજર રહ્યા હતા.