
- રાજ સંઘવી
એક શ્રદ્ધાળુ શિષ્ય સદ્ગુરુની શોધમાં ફરતો ફરએક આશ્રમે આવ્યો. આશ્રમમાં ખૂબ મોટા સંત વર્ષોથી રહેતા. તેમનું નામ ખૂબ જ મોટું હતું. જોકે બહારથી તેઓ જેટલા મહાન હતા, તેવું ભીતરનું તેમનું વ્યક્તિત્વ ન હતું. શિષ્યએ આવીને તેમને પોતાનો શિષ્ય રૂપે સ્વીકાર કરવા કહ્યું.
સંતે કહ્યું, શિષ્ય તરીકે સ્વીકાર કરવામાં મને કંઈ વાંધો નથી, પણ એ માટે તારે પરીક્ષા આપવી પડશે, જો તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈશ, તો હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરીશ.' શિષ્ય પરીક્ષા આપવા તૈયાર થયો, તો સંતે કહ્યું, અહીં આશ્રમની પાસે એક નદી વહે છે. તે નદીમાં ઘણાં બધાં મગરમચ્છો છે. એક કામ કર. તું નદી પાર કરીને આવ, તો હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરું.'
શિષ્યને પોતાના સદ્ગુરુ ઉપર ખૂબ જ શ્રધ્ધા હતી. તેમનું સતત નામસ્મરણ કરતા શિષ્યએ મગરમચ્છોથી ભરેલી નદી શીધ્ર પાર કરી. એક પણ મગરમચ્છ તેની સમીપ ન આવ્યો.
શિષ્યને હેમખેમ પાછો આવેલો જોઈ સદ્ગુરુ તો અભિમાનથી ફૂલાઈ ગયા કે, મારો પ્રભાવ કેવો જોરદાર છે. મારાં નામે તો મગરમચ્છો પણ શાંત થઈ જાય છે. ખરેખર હું કેટલો મહાન છું. ચલો, આજે મારી મહાનતાનો પરિચય મારાં સૌ શિષ્યોને કરાવી દઉં. કહી પોતે સર્વ શિષ્યોને લઈ નદી કિનારે ગયા. સહુ શિષ્યોની સામે નદીમાં તરવા નીકળ્યા, અને અલ્પ સમયમાં જ ઘણા મગરમચ્છો સાથે મમળી તેમને ખાઈ ગયા.
શિષ્ય કે ગુરુ કોઈ મહાન નથી હોતું. જેની પાસે શ્રદ્ધા હોય છે, તે જ મહાન હોય છે.