
'યથા દેહે તથા દેવે ' શાસ્ત્રોક્ત આ વચન અનુસાર સંતો-ભક્તો ભગવાનની સેવા પૂજા કરતા હોય છે. જેવી આપણા શરીરને સીઝન સીઝન પ્રમાણેની જરૂરીયાતો હોય છે અને તે જરૂરિયાતોને સહુ લોકો પોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડતા હોય છે.શિયાળામાં ગરમ કપડા પહેરવા ઓઢવા, હીટર રાખવા ગમે , ઉનાળામાં ઓછા અને આછા કપડા પહેરવા ગમે , એસીમાં રહેવું અનુકૂળ આવે . ઠંડુ પાણી પીવું , નદી તળાવ સ્વિમિંગ પુલમાં સ્નાન કરવું ગમે છે તેવી જ રીતે ભગવાનના ભક્તો ભગવાન પ્રત્યે ભાવના કરતા હોય. ત્યારે ગુરુકુળમાં પણ ભગવાનને ફૂલોમાંથી બનેલા વાઘા પહેરાવાયા હતાં.
અલગ અલગ ફૂલોથી કરાયો શણગાર
અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે વૈષ્ણવ પરંપરાની સેવારીતિ અનુસારે ભગવાનને ફૂલોના શણગાર તેમજ ચંદન આદિથી ટાઢક આપવાની ભક્તો ભાવના કરતા હોય છે. સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણને સંતોએ ફૂલોના શણગાર કર્યા હતા. પુજારી સ્વામી વિવેકસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સંતોએ ડોલર , મોગરો , ચમેલી , ગુલાબ , ઑર્ચીડ, ઝરબેરા વગેરેના ફૂલોથી ઠાકોરજીના વાઘા - વસ્ત્રો તૈયાર કરેલા હતા.
સિંહાસન મોગારાથી શણગારાયું
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર જ્ઞાનપ્રકાશ સ્વામી, વંદન સ્વામી, યોગદર્શન સ્વામી, ધર્મનિવાસ સ્વામી, સરજુ સ્વામી , હરિકીર્તન સ્વામી, પ્રેમનંદન સ્વામી, સ્મરણ સ્વામી, નિર્મળ સ્વામી વગેરે સંતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી પ્રદિપ માલવીયા, ચિરાગ રામાણી, , યુગ મોણપરા, મહેશ સોલંકી, યતિન સોનાણી, ‘વિશાલભાઈ, પ્રશાંત મોણપરા, કેતન ગજેરા, કૌશિક ડાંગોદરા વગેરેએ સવારના આઠ થી બપોરના એક વાગ્યા સુધી ફૂલો ગૂંથવાની તથા જરબેરાના ફૂલની પાંખડીઓની ડિઝાઇનો કરવામાં વિતાવેલ. ડોલરની ઝીણી ઝીણી કળિઓ પરોવવાની સેવા ભક્તિ મહિલા મંડળના બહેનોએ કરેલ. ઝરબેરાના ફૂલોથી અને મોગરાના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવેલ. ઠાકોરજીના સિંહાસનને મોગરાના ફૂલોથી સંતોએ શણગારેલ.