ચોમાસાની ઋતુમાં રિમઝિમ વરસતા વરસાદમાં ભીંજાવાનો આનંદ અનેરો હોય, પ્રાકૃતિક વૃષ્ટિ તન-મનને તરબતર કરી દે એ વાત ખરી, પણ આ વારિમાં પલળેલા તમારા વાળ નબળાં પડવાની, તેમાં ખોડો થવાની જૂ પડવાની કે ફંગસ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અલબત્ત, એનો અર્થ એવો નથી થતો કે તમે વરસાદમાં ભીંજાવાનો આનંદ ન લો. તમે તમારે મન મૂકીને વર્ષાનો આનંદ માણો, પછી વાળની સારસંભાળ માટે બે ટેબલસ્પૂન વિનેગરમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.

