
થોડા સમય પહેલા હાલોલ નગરપાલિકા દ્વારા જપ્ત કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થામાંથી થોડો માલ બારોબાર વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો. નગરપાલિકામાં થયેલી આ ચોરીના મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને નગરપાલિકા ચીફ ઓફિસરે તપાસ કરી સફાઈ કર્મચારીઓ અને ડ્રાઈવર દ્વારા ચોરી કરાતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
નગરપાલિકામાં ડુપ્લિકેટ ચાવી બનાવી પ્લાસ્ટિકની થતી ચોરી
હાલોલ નગરપાલિકા દ્વારા જપ્ત કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થામાંથી થોડો માલ કાઢીને બજારમાં વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો. જેણે લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલોલની GIDCમાંથી જપ્ત કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં મુકવામાં આવ્યો હતો. જેમાંથી રોજ થોડું થોડું પ્લાસ્ટિક કાઢીને નરપાલિકામાં જ હંગામી ધોરણે કામ કરતા રોજમદારો દ્વારા બજારમાં વેચી દેવામાં આવતું હતું.
નગરપાલિકાના ડ્રાઈવર અને સફાઇકર્મીઓ કરતાં ચોરી
જપ્ત કરાયેલા પ્લાસ્ટિકનો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાંના તાળાની સફાઈ કર્મચારીઓ દ્વારા ડુપ્લીકેટ ચાવી બનાવડાવવામાં આવી હતી. રોજ થોડું-થોડું પ્લાસ્ટિક ચોરી તેને બજારમાં વેપારીઓને વેચી દેવામાં આવતું હતું. નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ચોરીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પાંચ લોકો રંગેહાથ ઝડપાતા હાલોલ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.