
CID ક્રાઈમના EOW (આર્થિક ગુન્હા નિવારણ) માં SMCની તપાસ મામલે વિદેશ પ્રવાસથી પરત ફરેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ગુજરાત પોલીસના સિનિયર IPS અધિકારીઓને આજે તેડુ આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસના DGP વિકાસ સહાય, ADGP રાજકુમાર પાંડિયન અને SMCના વડા નિર્લિપ્ત રાયની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લેવામાં આવ્યો હતો. જેમાં તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અંગત દુશ્મનીને ગેરશિસ્ત માનવામાં આવશે અને જરુર પડશે તો અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ગેરહાજરીમાં પોલીસ અધિકારીઓએ ખેલ પડ્યો
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે તે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિદેશ પ્રવાસે હતા ત્યારે SMC દ્વારા CID ક્રાઇમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ CIDના કેટલાક અધિકારીઓ દ્વારા ફરિયાદો અને અરજીઓ દબાવી રાખવી, સમયસીમામાં નિકાલ ના કરવો અને તોડબાજી જેવા આક્ષેપોના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહતી સામે આવી હતી.
SMCના દરોડા પહેલા પોલીસ અધિકારી સસ્પેન્ડ
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા CID ક્રાઇમની બ્રાન્ચમાં દરોડાએ પોલીસને જ કઠેરામાં લાવીને ઉભી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ દરોડા પહેલા પીએસઆઇ રેન્કના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પીએસઆઇ રેન્કના અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ અચાનક SMCના દરોડાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. જો કે આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ આધિકારિક પૃષ્ટિ કરવામાં આવી નથી.