
ગાંધીનગર શહેરમાં આવતીકાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સિંદૂર સન્માન યાત્રાનાં રૂટનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા મેયર, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશ્નર તેમજ ગાંધીનગર એસ.પી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. PM મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે આજે 26 મેની રાત્રે વડાપ્રધાનનો 'રોડ શૉ' યોજાયો હતો. અમદાવાદના એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનના 'રોડ શૉ' થયો જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા. લોકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (26 મે) સવારે વડોદરામાં પણ રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ દાહોદમાં રૂ. 23,292 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ યોજ્યો હતો.
ભુજમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત
ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. 53,414 કરોડના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માણ તેમજ ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે 26 મેની સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. 23,292 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી.
દાહોદમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી
વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’