
મંગળવારે ઈંગ્લેન્ડ અંડર-19 સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય અંડર-19 ટીમના વિકેટકીપર બેટ્સમેન હરવંશ સિંહ પંગલિયાએ તોફાની સદી ફટકારી હતી. પાંગલિયા ઈનિંગની 36મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, જ્યારે ભારતનો સ્કોર 251/7 હતો. તેણે અંબરીશ સાથે 126 રનની સદી પાર્ટનરશિપ કરી હતી.
અંબરીશે માત્ર 47 બોલમાં 72 રનની ઝડપી ઈનિંગ રમી અને પવેલિયન પરત ફર્યો. ત્યારે પંગલિયા 33 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો હતો. તેણે આગલા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી.
પંગલિયાનું તોફાન આવ્યું
પંગલિયાએ છેલ્લી ત્રણ ઓવરમાં પોતાનું આક્રમક સ્વરૂપ બતાવ્યું. મેની લુમ્સડેન દ્વારા ફેંકાયેલી ઈનિંગની 48મી ઓવરમાં તેણે સતત બે સિક્સ ફટકારી. તેના પછીની ઓવરમાં, પંગાલિયાએ મેથ્યુ ફિરબેન્કના બોલ પર વધુ એક સિક્સ ફટકારી. છેલ્લી ઓવરમાં, પંગાલિયાએ ઈંગ્લેન્ડને સ્તબ્ધ કરી દીધું. તેણે લુમ્સડેનના બોલ પર પહેલા ફોર ફટકારી અને પછી ત્રણ જોરદાર સિક્સ ફટકારી. હરવંશ સિંહ પંગાલિયાએ ફક્ત 52 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. નોંધનીય છે કે હરવંશની બીજી અડધી સદી ફક્ત 18 બોલમાં બની હતી.
ભારતનો મોટો વિજય
પંગાલિયાની તોફાની ઈનિંગના આધારે, ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 442 રન બનાવ્યા. ગુજરાતના આ યુવા બેટ્સમેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે 117 રનની ઈનિંગ રમી હતી. ત્યારે તેણે 7 ફોર અને 6 સિક્સ ફટકારી હતી.
હરવંશ સિંહ કોણ છે?
હરવંશ સિંહ ગાંધીધામનો રહેવાસી છે. હરવંશ તેના પિતા દમનદીપ અને કાકા કુંવરજીત સિંહને ક્રિકેટ રમતા જોઇને મોટો થયો છે. ઉલ્લેખનીય છે કે દમનદીપ અને કુંવરજીત બંને વિકેટકીપર હતા. હવે હરવંશનો પરિવાર કેનેડામાં સ્થાયી થયો છે. તેના પિતા બ્રેમ્પટનમાં ટ્રક ચલાવે છે.
હરવંશ તેની માતા સાથે ગાંધીધામમાં રહે છે અને તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે તે તેને એક દિવસ દેશમાં પાછા બોલાવશે. દમનદીપે ક્યારેય વિચાર્યું ન હતું કે યુવરાજ સિંહની છ સિક્સ તેના પુત્રને એટલી પ્રભાવિત કરશે કે તે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું નક્કી કરશે.
દમનદીપે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, "રાજકોટ અમારા શહેરથી 200 કિમી દૂર છે. 2012માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અમારા શહેરમાં એક એકેડેમી ખોલી. મેં હરવંશને છ વર્ષનો હતો ત્યારે એકેડેમીમાં દાખલ કર્યો હતો. તેણે મારા કારણે વિકેટકીપિંગ શરૂ કરી હતી. પરંતુ યુવરાજ સિંહને કારણે તે લેફટી બેટ્સમેન બન્યો. તે યુવરાજ સિંહનો મોટો ફેન છે, ભલે તેણે યુવરાજના શ્રેષ્ઠ દિવસો ન જોયા હોય. પરંતુ મારા પુત્રને સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવીએ ફટકારેલા છ સિક્સથી પ્રેરણા મળી હતી."