
રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો ગંભીર બન્યો છે. 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની બે મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા.
100થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે કડક પગલાં લેતા 100થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અચાનક કેટલાક આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, સરકારના સખ્ત એક્શનના કારણે બાકીના કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી
આરોગ્ય કર્મચારીઓન હડતાળને કારણે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી હતી, જેના લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સસ્પેન્શનની કાર્યવાહી બાદ હવે પરિસ્થિતિ થોડી સ્થિર થઈ હોવાનું જણાય છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ હજુ અધૂરી રહી છે, જે આગળ જતાં ફરી વિવાદનું કારણ બની શકે છે.