Home / Lifestyle / Health : Sahiyar: What should you do to avoid a heatstroke

Sahiyar: કાળઝાળ ગરમીમાં લૂ ન લાગે તે માટે શું કરવું?  

Sahiyar: કાળઝાળ ગરમીમાં લૂ ન લાગે તે માટે શું કરવું?  

માનવ શરીરનું ઉષ્ણતામાન દરેક ઋતુમાં એકસરખું જ રહે છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની સાથે સાથે અનેક પ્રક્રિયાઓ દ્વારા શરીરના વિવિધ તંત્રો તેને ૩૭૦ સેં.ગ્રેડની આસપાસ જ રાખે છે, પરંતુ જ્યારે વાતાવરણની ઉષ્ણતા અને શરીરની ઉષ્ણતા વચ્ચેનો તફાવત વધી જાય છે ત્યારે કોઈ વાર શરીર પોતાનું ઉષ્ણતામાન નિયંત્રણમાં રાખી શકતું નથી. જેના માઠાં પરિણામ શરીરે જ ભોગવવા પડે છે. ઉનાળામાં વાતાવરણની ગરમી શરીરમાં પણ ગરમી વધારી દે છે. જે જોખમી બની શકે છે. જોકે સામાન્ય રીતે શરીરની વધારાની ગરમીને બહાર ફેંકવા માટે ચામડીની નીચેની રક્તવાહિનીઓ પહોળી થઈ જાય છે અને પરસેવારૂપે પાણી બહાર ફેંકે છે, જેથી બાષ્પીભવન થવાથી શરીર ઠંડુ રહે છે. પરંતુ કેટલાક  લોકોના શરીરમાં કાં તો આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે અથવા સખત ગરમીમાં પૂરી પ્રક્રિયા જ બિનઅસરકારક બની જાય છે, ત્યારે શરીરનું ઉષ્ણતામાન ખૂબ વધી જાય છે. આ સ્થિતિને બોલચાલની ભાષામાં 'લૂ લાગી' એમ કહેવામાં આવે છે. લૂ સામાન્ય રીતે વધારે સમય સુધી ગરમીમાં રહેતા હોય તેમને અથવા ભઠ્ઠી કે બોઈલર જેવા ગરમ સ્થાનમાં રહેતા લોકોને વધારે લાગે છે. ઠંડા પ્રદેશમાં રહેતા લોકો જો ગરમ પ્રદેશમાં જાય તો તેમને પણ 'લૂ' લાગે છે. હાઈ બ્લડપ્રેશરવાળા, દારૂના વ્યસની વગેરેને પણ લૂ બહુ ઝડપથી લાગે છે. વધારે કામ કરતા હોય તેમને રાત્રે ઊંઘ આવતી ન હોય એટલે કે અનિદ્રાના રોગીને પણ 'લૂ' ઝડપથી લાગવાની શક્યતા રહેલી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લૂ લાગવાથી થાક જેવી સામાન્ય સ્થિતિથી લઈને 'સન સ્ટ્રોક' હીટ સ્ટ્રોક' જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. થાક લાગવો, નબળાઈ લાગવી, ચક્કર આવવાં વગેરે લૂ લાગવાના સામાન્ય લક્ષણો છે. પરંતુ જ્યારે સ્થિતિ કાબૂ બહાર જતી  રહે છે ત્યારે નીચેની બીમારી થઈ શકે છે.

હીટ ક્રેમ્પ :

 આ બીમારીમાં પગની પીંડીઓ અને સાથળમાં  બહુ જ દુખાવો થાય છે જેનાથી વ્યક્તિને બેચેની લાગવા માંડે છે અથવા હરવા ફરવાનું બંધ થઈ જાય છે. પરસેવાની સાથે અતિશય પ્રમાણમાં ક્ષાર નીકળી જવાથી શરીરમાં તેની ઊભી થતી ઊણપના કારણે આવું થાય છે.

હીટ એક્ઝોશન :

 શરીરમાંથી વધારે પ્રમાણમાં મીઠું અને પાણી નીકળી જવાથી આવું થાય છે. આ સ્થિતિમાં શરીરની  ત્વચા ઠંડી અને ભીની થઈ જાય છે. લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે. સાથે સાથે શરીર પણ ઠંડુ પડી જાય છે. હીટ એક્ઝોશનનો ભોગ બનેલી વ્યક્તિનાં શરીરમાંથી પાણી ઘટી જાય છે. તેથી શોષ પડે છે અને ઘણી વાર તે એકસાથે વધારે પાણી પીવા લાગે છે. પરિણામે તેના શરીરમાં જુદા જુદા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે. આવી બીમારીવાળી વ્યક્તિને ઠંડી જગ્યાએ લઈ જવી જોઈએ. જરૂરિયાત પ્રમાણે તેને પાણી અને મીઠું આપવા જોઈએ.

સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક :

 લૂ લાગવાની વધારે ગંભીર સ્થિતિ એટલે સન સ્ટ્રોક. તેની અસરમાંથી જો વ્યક્તિને ઉગારવામાં ન આવે તો તે મૃત્યુ પણ પામી શકે છે. જોકે શક્ય તમામ પ્રયાસો પછી પણ સન સ્ટ્રોક લાગેલી વ્યક્તિઓમાંથી અડધીને જ બચાવી શકાય છે. સન સ્ટ્રોકનું કારણ છે શરીરની ગરમી સામાન્ય રાખનારી પ્રક્રિયાનું જ બંધ થઈ જવું. જેમાં બીમાર વ્યક્તિના શરીરનું ઉષ્ણતામાન વાતાવરણના ઉષ્ણતામાનની સાથે જ વધે છે અને એ ઉષ્ણતામાન ૪૦-૪૫ સે.ગ્રેડથી  પણ વધી જાય છે. સનસ્ટ્રોકનો ભોગ બનેલાની ત્વચાસુકી અને વધારે ગરમ હોય છે. તેમને પરસેવો પણ થતો નથી. તેમના હોઠ પણ સુકાઈ જાય છે. હૃદયના ધબકારા અચાનક વધવા લાગે છે. પેશાબ પીળા રંગનો અને ઓછો થઈ જાય છે. શરીરમાં વધી ગયેલી ગરમી અને ઘટી ગયેલા પાણીના જથ્થાના કારણે વ્યક્તિ બેભાન થઈ જાય છે. કિડની તથા યકૃત પોતાનું કામ કરતાં બંધ થઈ જાય છે, જેનાથી વ્યક્તિનું મોત પણ થઈ  શકે છે. દર્દીનું લોહી ગંઠાઈ જાય છે અને ત્વચા પર લાલ ચકામા પણ દેખાવા લાગે છે.

સન સ્ટ્રોક 'પ્રાણઘાતક બની શકે છે. એનાથી બચો. તાપ, ગરમીમાં વધારે સમય સુધી રહો નહીં. જે વ્યક્તિઓને તાપમાં ફરવાની ટેવ નથી, તેમણે તો તાપમાં મહેનતવાળું કામ ક્યારેય કરવું જોઈએ નહીં. પાણી જેમ બને તેમ વધારે પ્રમાણમાં પીવાની ટેવ પાડવી. ભારે ખોરાક ન લેવો. ડુંગળી, કાચી કેરીનો બાફલો, જીરાળું જલજીરા વગેરે વધારે પ્રમાણમાં લેવા. જેનાથી જુદા જુદા ક્ષાર અને પાણીનું પ્રમાણ વધે છે અને ગરમીથી થનારી બીમારીઓથી બચી શકાય છે. ઉનાળામાં પરસેવાની સાથે શરીરમાંથી પાણી અને મીઠું બહાર જતાં હોવાથી ખોરાકમાં મીઠું વધારે લેવું જોઈએ. ઘરની બહાર નીકળતાં પહેલા ખૂબ પાણી પીઓ. ખુલ્લા તડકામાં કે ભઠ્ઠી જેવા ગરમ સ્થાને વધારે સમય સુધી શ્રમ કરવો નહીં.

ગરમીમાં બહાર જવાનું થાય ત્યારે છત્રી સાથે જ રાખો અથવા માથા પર કાપડનો ટુકડો ભીનો કરીને બાંધી રાખો. લસ્સી, દહીંનું ઘોળવું અથવા કાચી કેરીનો રસ, સવાર-સાંજ જરૂર પીઓ. સલાડ, ફુદીનો, કાચી કેરી, લીલાં શાકભાજી વગેરે ભોજનમાં અવશ્ય લો. સવાર-સાંજ ઠંડા પાણીથી સ્નાન કરો.

જેને લૂ લાગી હોય  તેનું શરીર તરત જ ઠંડુ પાડવાની કોશિશ કરો. તેને ઠંડા સ્થાન પર લઈ જાવ. ઠંડા પાણીથી સ્નાન કરાવો. પંખા અને કૂલરથી ઠંડી હવા ફેંકો. દર્દીને ખુલ્લાં સુતરાઉ કપડાં પહેરાવો. ઠંડા પાણીના પોતાં દર્દીના માથા પર મૂકો. આખા શરીર ઉપર પણ આવા ઠંડા પોતાં મૂકી શકાય છે અથવા બરફ ઘસી શકાય છે. જ્યાં સુધી શરીરનું તાપમાન ૩૮ સે.ગ્રેડ જેટલું થઈ જાય નહીં ત્યાં સુધી આવાં પોતાં મૂકવા. દર્દીના શરીર પર માલિશ કરવાથી પણ તેના લોહીનું પરિભ્રમણ વધવા લાગે છે. જેનાથી ગરમી બહાર નીકળી જવાની પ્રક્રિયા ઝડપી બને છે.

- અવન્તિકા

Related News

Icon