રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વાહનચાલકો અટવાયા હતા. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી.
રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ
ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગમાં 9.8 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇમાં 7.7 ઇંચ, સુબીરમાં 7.1 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.